લોકપ્રિય કોમેડિયન સમય રૈના ટૂંક સમયમાં જ પોતાના સુપરહિટ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ (India’s Got Latent) ની બીજી સીઝન લઈને આવી રહ્યા છે. આ નવી સીઝનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે કે પ્રખ્યાત RJ મહવશ (RJ Mahvash) પણ આ શોમાં મહેમાન (પેનલ ગેસ્ટ) તરીકે જોવા મળશે.
RJ મહવશે પોતે કન્ફર્મ કર્યું
તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન RJ મહવશે ખુલાસો કર્યો હતો કે સમય રૈનાએ તેને પોતાના આગામી કોમેડી ટેલેન્ટ શોની સીઝનમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. મહવશે કહ્યું, “જ્યારે અમે એક શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે સમય પરસનલી મારી પાસે આવ્યો અને પૂછ્યું કે શું હું તેના આગામી શોનો ભાગ બનીશ? મેં તરત જ હા પાડી દીધી. મેં આ અંગે રણવીર અલ્લાહબાદિયા સાથે પણ વાત કરી હતી.”
વિવાદ છતાં સમય રૈના અને મિત્રોનો કર્યો બચાવ
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના એક એપિસોડ દરમિયાન રણવીર અલ્લાહબાદિયા, આશિષ ચંચલાની અને સમય રૈના એક મોટા વિવાદમાં ફસાયા હતા. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાઈ હતી.
આ વિવાદ છતાં સમય અને તેના મિત્રોનો બચાવ કરતા RJ મહવશે કહ્યું, “હું શરૂઆતમાં રણવીર અને આશિષ જેવા મોટા કલાકારોને વ્યક્તિગત રીતે ઓળખતી નહોતી. તેમ છતાં જ્યારે મેં મારા ટ્રેલર લોન્ચ માટે તેમને બોલાવ્યા, તો તેઓ આવ્યા. મારા માટે આ જ સાચી દોસ્તી છે.”
તેણે વધુમાં ઉમેર્યું, “તેઓ ગમે તેટલા ખોટા હોય, તો પણ હું તેમને સપોર્ટ કરતી રહીશ. હું માનું છું કે તેમનાથી ભૂલ થઈ હતી, પરંતુ માણસ માત્ર ભૂલને પાત્ર છે. હવે તેમને વધુ ટ્રોલ ન કરવા જોઈએ. હું તેમને વ્યક્તિગત રીતે જાણું છું, તેઓ ખૂબ જ સારા વ્યક્તિઓ છે અને ક્યારેય કોઈનું અપમાન કરતા નથી.”
