• તક્ષશિલા દુર્ઘટનાના પીડિત પરિવારની દર્દનાક વેદના 

  • અમારા માટે એક એક દિવસ સો વર્ષ સમાન છે : પરિવારજન

  • અધિકારીઓની બેદરકારીએ છીનવ્યા વહાલસોયા

  • સાત-સાત વર્ષથી કોર્ટના ધક્કા ખાવા મજબૂર બન્યા લાચાર પરિવારો

  • સ્મારક પર માસૂમોની તસવીરો જોઈ રડી પડ્યા માતા-પિતા

  • ક્યારે મળશે સુરતના આ ‘અમર આત્માઓ‘ને સાચો ન્યાય? 

સુરતના સરથાણા વિસ્તારમાં કાળઝાળ તક્ષશિલા અગ્નિકાંડને આજે પૂરા સાત વર્ષ વીતી ગયા છે,છતાં પણ 22 માસુમ વિદ્યાર્થીઓના પરિવારજનો  આંખોમાં આંસુ અને દિલમાં દર્દ યથાવત રાખીને ન્યાયની આશા રાખી રહ્યા છે.

સમય વહી જાય છે, પણ રૂઝાયેલા ઘા ફરી લીલા થઈ જાય છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એ કાળા ડિબાંગ દિવસને એ કાળઝાળ તક્ષશિલા અગ્નિકાંડને આજે પૂરા સાત વર્ષ વીતી ગયા છે. પણ આ સાત વર્ષોમાં એ પરિવારોનું દર્દ જરાય ઓછું નથી થયું જેમણે પોતાની આંખો સામે પોતાના કાળજાના ટુકડાઓને આગની જ્વાળાઓમાં હોમાતા જોયા હતા. 22 માસૂમ વિદ્યાર્થીઓ, જેમની કોઈ ભૂલ નહોતી, છતાં DGVCL અને ફાયર વિભાગની ઘોર બેદરકારીએ તેમની જિંદગીનો દીવો કાયમ માટે બુઝાવી દીધો હતો.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરી ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈ ગજેરા જ્યારે મીડિયા સામે આવ્યા, ત્યારે તેમની આંખોમાં વહેતા આંસુઓએ આખા ગુજરાતને રડાવી દીધું હતું.

સૌથી મોટો અને સળગતો સવાલ એ છે કે ગુનેગારોને સજા ક્યારે મળશે? સાત-સાત વર્ષથી આ પરિવારો ન્યાયની આશાએ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. તારીખ પર તારીખ પડે છે, પણ ન્યાય મળતો નથી. સરથાણા તક્ષશિલા નજીક બનાવેલા સ્મારક પર જ્યારે પરિવારો ભેગા થયા અને પોતાના વહાલસોયાના ફોટા જોયા, ત્યારે આખું વાતાવરણ ચીસ અને ડૂસકાઓથી ગુંજી ઉઠ્યું હતું. પીડિત પરિવારો આજે પણ માત્ર એક જ માંગ કરી રહ્યા છે.એ ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ બીજી ‘ગ્રીષ્મા‘ કે કોઈ બીજો માસૂમ આવી બેદરકારીનો ભોગ ન બને.