ગુજરાતમાં મેઘતાંડવથી જનજીવન પર અસર
દક્ષિણ ગુજરાત બન્યું જળબંબાકાર
વલસાડ બેટમાં ફેરવાયું, નવસારીમાં પણ ધોધમાર વરસાદ
અરવલ્લીમાં પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી પોલ
કેશોદમાં દંપતીનું દિલધડક સફળ રેસ્ક્યુ
ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ક્યાંક આભ ફાટ્યું છે તો ક્યાંક પુરના પાણી વચ્ચે જિંદગી બચાવવા જંગ ખેલાયો છે.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર બેટમાં ફેરવાયું છે. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે નવસારીમાં તોફાની વરસાદને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ કે બપોરે પણ વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી.
બીજી તરફ, જૂનાગઢના કેશોદના ટીટોડી ગામમાં પૂરના કારણે એક દંપતી વાડી વિસ્તારમાં ફસાયું હતું. કંટ્રોલરૂમ પર મેસેજ મળતા જ પ્રાંત અધિકારી અને મામલતદારની આગેવાનીમાં મોડલ ફાયર સ્ટેશનની ટીમે માત્ર અડધા કલાકમાં અશ્વિનભાઈ અને ઉષાબેન માકડીયાનું બોટ મારફતે દિલધડક અને સફળ રેસ્ક્યુ કર્યું હતું.
આ ઉપરાંત અરવલ્લીના મોડાસા શહેરમાં પ્રથમ વરસાદમાં જ ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા,વરસાદ શરૂ થતાં જ શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન અને પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.પ્રથમ વરસાદમાં જ ચાર રસ્તા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
