ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી પરિસરમાં રહેલા વૃક્ષોને ગ્રંથપાલ દ્વારા આકર્ષક રંગો વડે વધુ નયનરમ્ય બનાવી વાચકોને આકર્ષવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લાયબ્રેરીમાં હવે પુસ્તકોના આપ-લે પૂરતી મર્યાદિત નથી રહી. વાચકો માટે લાયબ્રેરીની અંદર જેમ ઉત્તમ વાતાવરણ ઉપલબ્ધ છે, તેમ એના પરિસરમાં વાચકોને આકર્ષવા માટે સતત અનોખા પ્રયોગો થતા હોય છે. એવા જ એક પ્રયોગ સાથે ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગ્રંથપાલે સ્વયં પ્રયત્ન થકી વૃક્ષો જે નયનરમ્ય હતા, તેમને વધુ સુંદર બનાવી દીધા છે. ગ્રંથપાલે લાયબ્રેરીના વર્કીગ કલાકો પુરા કર્યા બાદ આ કાર્ય હાથ ધરતા હતા, જે 7 દિવસમાં રોજ 2 કલાક આપી પૂર્ણ કયું છે. તેમનું એવું કહેવું છે કે, અહી જે 22થી 25 વર્ષ આયુના વૃક્ષો છે, તે લાયબ્રેરીના વાતાવરણને વધુ સુંદર અને પ્રાકૃતિક બનાવે છે.
અહી વૃક્ષો પર બેસી કલરવ કરતા પંખીઓ લાયબ્રેરીના વાતાવરણને પ્રકૃતિની વધુ નજીક લઇ જાય છે. તે વાતાવરણ જો કલાથી પણ સજ્જ થઈ જાય તો સોને પે સુહાગા જેવું થઇ જાય. વારલી શૈલીની આ કલા દ્વારા ફક્ત ચિત્રો જ નથી દોરાયા પણ વાંચનને પ્રેરે એવું સિમ્બોલિક આર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે જોતા જ એક અદભૂત આનંદની લાગણીનો અનુભવ કરાવે છે.
