દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આકાશી આફત ભારે આફત બનીને વરસી રહી છે. ભારે અતિવૃષ્ટિના કારણે મહારાષ્ટ્રના પાલઘર પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદને કારણે પાલઘર પાસે ટ્રેક પાણીમાં ડૂબી જતાં પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ તરફ જતી ઘણી બધી ટ્રેનોને વલસાડ, વાપી અને નવસારી સ્ટેશનથી જ ટૂંકાવી દેવામાં આવી છે અને ત્યાંથી જ ટ્રેનોને પરત (શોર્ટ ટર્મિનેટ) કરવામાં આવી રહી છે. આ અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે વલસાડ રેલવે સ્ટેશન પર ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને સાચી માહિતી આપવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ‘હેલ્પલાઇન ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું છે. અનેક મુસાફરો જે ટ્રેન પરત જઈ રહી છે તેમાં બેસીને પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે, તો ઘણા મુસાફરો મુંબઈ પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની શોધમાં ભટકી રહ્યા છે. મુસાફરોની આ મુશ્કેલીને હળવી કરવા માટે ગુજરાત એસટી તંત્ર વહારે આવ્યું છે. વલસાડ એસટી બસ ડેપો દ્વારા મુંબઈ જવા માંગતા મુસાફરો માટે વિશેષ વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી શકે. આ સંકટની ઘડીમાં વલસાડમાં માનવતાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. રેલવે સ્ટેશન પર નાના-નાના માસૂમ બાળકો સાથે પરિવારો કલાકોથી અટવાયા છે. આ જોઈને વલસાડના સ્થાનિક સેવાભાવી લોકો આગળ આવ્યા છે. સ્થાનિકોએ અટવાયેલા મુસાફરો અને બાળકો માટે ચા-પાણી, દૂધ અને ભોજનની વ્યવસ્થા કરી મદદનો હાથ લંબાવ્યો છે.
