ભરૂચ: અંકલેશ્વર–હાંસોટ–કદરામા રોડ (NH-64) પર કડકીયા કોલેજ નજીક આવેલી આમલાખાડી ઉપર જૂના અને જર્જરિત પુલને તોડી નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ દરમિયાન આમલાખાડી ઓવરટોપિંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સુરક્ષાના હેતુથી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર, 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે.

કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ આ હુકમ જાહેર કર્યો છે.જાહેરનામા મુજબ, અંકલેશ્વરથી હાંસોટ તરફ જતાં વાહનોને અંકલેશ્વર–આંબોલી–બોઈદ્રા રોડ મારફતે હાંસોટ તરફ અને હાંસોટથી અંકલેશ્વર તરફ આવતાં વાહનોને હાંસોટ–આંબોલી–બોઈદ્રા રોડ મારફતે અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વહીવટી તંત્રે વાહનચાલકોને જાહેરનામાનું પાલન કરવા તેમજ અનાવશ્યક મુશ્કેલી ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.