ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે અષાઢી બીજ ‘રથયાત્રા દિન’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ અષાઢી બીજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે અષાઢી બીજ ‘રથયાત્રા દિન’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમના પ્રાર્થનાખંડમાં પથ્થરમાંથી બનાવેલી ભગવાન શ્રીકૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની બાળકો પાસે પૂજા કરાવવામાં આવી હતી. જેમાં પ્રસાદ તરીકે ફણગાવેલ મગ અને જાંબુ મુકવામાં આવ્યા હતા, તેમજ બાળકોને રથયાત્રા અને પ્રસાદનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના મેદાનમાં હાથી પર શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામને બિરાજમાન કરી રથ ફેરવવામાં આવ્યો હતો, ત્યારે “જય રણછોડ, માખણ ચોર”ના નાદથી શાળાનું મેદાન ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ વર્ગખંડમાં પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોએ શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામના ચિત્રમાં રંગપૂરણી કરી હતી.
