ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા ચકચાર

મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત

ચાંદીપુરા વાયરસના કહેરથી આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ

લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાય

બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ

ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે. વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકને તાવ અને અન્ય ગંભીર લક્ષણો જણાતા ગત તા. 8 જુલાઈના રોજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે. સારવાર દરમિયાન તા. 9 જુલાઈની વહેલી સવારે બાળકનું દુઃખદ અવસાન થયું હતું. બાળકના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આવેલા રિપોર્ટમાં બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ હોવાની પ્રથમ મૃત્યુ હોવાનું અધિકૃત માહિતીમાં જણાવાયું છે.

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરસ માનવામાં આવે છે. તેમાં તાવ, ઉલટી, આંચકી આવવી, બેભાન થવું જેવા લક્ષણો જોવા મળી શકે છે, અને સમયસર સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી આરોગ્ય સર્વેલન્સ અને સાવચેતીના પગલાં હાથ ધર્યા છે. જો, બાળકોમાં આવા કોઈપણ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવા અંગે આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે.