ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાની મોટી સિદ્ધિ
વૈશ્વિક સ્તરે વાગ્યો ગુજરાતનો ડંકો
CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ વિશ્વમાં વગાડ્યો ડંકો
વૈજ્ઞાનિકો દુનિયાના ટોચના 5 ટકા સંશોધકોમાં સામેલ
સાઇરેન્ક ગ્લોબલ રજિસ્ટ્રી 2025’માં ચમક્યા વૈજ્ઞાનિકો
ભાવનગરની સીએસએમસીઆરઆઈ સંસ્થાના 260 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું નામ રોશન કર્યું છે. ‘સાઇરેન્ક ગ્લોબલ રજિસ્ટ્રી 2025’માં દુનિયાના ટોચના 5 ટકા સંશોધકોમાં સ્થાન મેળવીને આ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે.
ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સફળતા મેળવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સાઇરેન્ક ગ્લોબલ’ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં, આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ પાંચ ટકા સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનનું ઉચ્ચ સ્તર દર્શાવે છે.
CSMCRI દરિયાઈ વિજ્ઞાન, મીઠું અને રસાયણ, ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી તેમજ મરીન બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા છે.અહીં થઈ રહેલા પ્રયોગો સામાન્ય નાગરિકોની આજીવિકા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ વનસ્પતિ એટલે કે ‘સીવીડ’ની ખેતી પર થતું સંશોધન દરિયાકાંઠાના માછીમારો માટે કમાણીની નવી તકો ઊભી કરી રહ્યું છે. આરોગ્ય અને નવી ટેકનોલોજી આધારિત આ પ્રયોગો વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે.
વૈશ્વિક મંચ પર મળેલી આ મોટી ઓળખ એ વાતનો પુરાવો છે કે ગુજરાત આજે વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનનું એક મજબૂત કેન્દ્ર બન્યું છે. સંસ્થાની આ અદભુત સફળતા ભારતના રિસર્ચ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવીને, વર્લ્ડ ક્લાસ વિજ્ઞાનના જોરે દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે.
