ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના લોકોને અંતિમવિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના લોકોને અંતિમવિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 50 હજારથી વધુ વસ્તી આ સ્મશાનગૃહ પર નિર્ભર હોવા છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
આ સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી. જેના કારણે અંતિમવિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી યોગ્ય મરામત ન થતાં સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગ લાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.
સ્મશાનગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે અંતિમવિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીક ના નદી કિનારેથી લાવવું પડે છે. શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહે છે.
સ્મશાનગૃહ ઉપર બનાવવામાં આવેલું શેડ પણ જર્જરિત હાલતમાં છે. પતરા તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે. આવી સ્થિતિમાં મૃતદેહ, ચિતા માટેના લાકડા તેમજ અંતિમવિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી. ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
