ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામ નજીકથી ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કર અને કાર વચ્ચે ટક્કર સર્જાય હતી. સદનસીબે આ ઘણામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં સામસામે આવી રહેલા ટેન્કર અને કાર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો, અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી સમગ્ર બનાવ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, જોકે વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન વાગરા પંથકમાં અકસ્માતની આ ચોથી ઘટના છે. સતત બની રહેલી અકસ્માતોની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
