ભરૂચ કે. જે. પોલીટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થા અને પદ્ધતિને લઈને વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓએ નેતા યોગી પટેલની આગેવાનીમાં એકઠા થઈ પ્રિન્સિપાલને સામૂહિક રજૂઆત કરી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને શૈક્ષણિક હિતનું રક્ષણ કરવા માંગ કરી છે.

વિદ્યાર્થીઓનો આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાનો સિલેબસ સમયસર જાહેર કરવામાં આવ્યો નહોતો. વર્ગખંડમાં જે મુદ્દાઓ ભણાવવામાં જ નથી આવ્યા તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. સિલેબસ અને પ્રશ્નપત્ર વચ્ચે ભારે અસમાનતા હોવાથી તૈયારી પર માઠી અસર પડી છે.

ત્રીજા અને પાંચમા સેમેસ્ટરમાં યોજાયેલી ઓપન બુક એક્ઝામિનેશન અંગે વિદ્યાર્થીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પદ્ધતિ GTU ના અધિકૃત નિયમો અને મંજૂરી મુજબ છે કે નહીં તેની સ્પષ્ટતા તથા તપાસની માંગ કરાઈ છે.

મિડ સેમેસ્ટર અને યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષાની પદ્ધતિ અલગ-અલગ હોય તો અંતિમ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે, તેમ વિદ્યાર્થીઓએ શંકા વ્યક્ત કરી હતી.જો કોલેજ સ્તરેથી આ બાબતે યોગ્ય અને સંતોષકારક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ ઉપલબ્ધ પુરાવાઓ સાથે GTU સમક્ષ લેખિત રજૂઆત કરશે.