અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

વ્યાજખોર આરોપીની ધરપકડ

રૂ.8 લાખ વ્યાજે આપ્યા હતા

રૂ.10 લાખ ચૂકવી દીધા છતાં દાગીના પડાવ્યા

પ્લોટ પણ પચાવી પાડ્યાનો આરોપ

અંકલેશ્વરમાં વ્યાજે નાણાં આપવાના વ્યવહારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોર આરોપીની ધરપકડ કરી છે.

અંકલેશ્વરના ધંતુરીયા ગામના પંકજભાઈ પરભુભાઈ આહીરે વર્ષ 2018માં આરોપી પાસેથી રૂ. 5 લાખ અને વર્ષ 2019માં રૂ. 3 લાખ મળી કુલ રૂ. 8 લાખ વ્યાજે લીધા હતા. આ નાણાંકીય વ્યવહારના બદલામાં આરોપીએ સિક્યુરિટી પેટે સાજોદ સ્થિત રામ રેસિડેન્સીનો પ્લોટ નં. BB-18નો અસલ દસ્તાવેજ તથા આશરે 41 તોલા સોનાનાં ઘરેણાં લીધાં હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

આ ઉપરાંત, આંધ્રા બેંકમાંથી ફરિયાદીના આશરે 24 તોલા સોનાનાં ઘરેણાં છોડાવી આરોપીએ પોતાની પાસે રાખી લીધા હોવાનો પણ આક્ષેપ છે. આમ, કુલ આશરે 65 તોલા સોનાનાં ઘરેણાં આરોપી પાસે હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદીનો આક્ષેપ છે કે, બંને વ્યવહારો પેટે વ્યાજ સહિત આશરે રૂ. 10 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ સોનાનાં ઘરેણાં પરત આપ્યાં નહોતાં. એટલું જ નહીં, પ્લોટનો રૂ. 10 લાખનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા બાદ વેચાણની રકમ પણ ચૂકવી નહોતી અને વધુ નાણાંની માંગણી કરી હતી.

આ મામલે પંકજભાઈ આહીરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી મહેશભાઈ મારફતિયાની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં સોનાનાં ઘરેણાં અને પ્લોટના દસ્તાવેજ સહિતના નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.