ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી સામે આવી છે. બદરીનાથ ધામથી ફાટા જઈ રહેલા ટ્રાન્સ ભારત કંપનીના હેલિકોપ્ટરનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ પછી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોશીમઠ નજીક હાથી પહાડની પાછળ ચાયી ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે. હેલિકોપ્ટરની શોધ માટે અન્ય બે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે, ખરાબ હવામાનને કારણે હજુ સુધી તેની ચોક્કસ લોકેશન મળ્યું નથી.

હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળી છે તે વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ગાઢ વાદળો છવાયેલા છે. તેના કારણે દૃશ્યતા ઓછી થઈ ગઈ છે. રેસ્ક્યૂ ટીમોને હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં બદરીનાથ અને જોશીમઠ વચ્ચેના વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તેમની સ્થિતિ કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વહીવટીતંત્રની ટીમો કાટમાળ શોધવા અને રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે.