સ્પેનમાં જંગલોમાં ભયંકર આગ લાગવાના કારણે રાજધાની મેડ્રિડની પશ્ચિમમાં આવેલા વિસ્તારોમાંથી 10 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
આ પ્રદેશ અને પડોશી પ્રાંત એવિલામાં 3 અલગ અલગ આગના કારણે સરકારને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ફરજ પડી, જેના કારણે તેને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો અધિકાર મળ્યો. આ પહેલી વાર છે, જ્યારે જંગલમાં આગ લાગવાના પ્રતિભાવમાં આવા પગલાં લેવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ રાષ્ટ્રવ્યાપી વીજળી ગુલ થવા દરમિયાન સ્પેનએ અગાઉ આ સ્તરની કટોકટી ચેતવણી જારી કરી હતી. યુરોપિયન ફોરેસ્ટ ફાયર ઇન્ફર્મેશન સિસ્ટમ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સ્પેનમાં 350થી વધુ આગ લાગી છે.
આ દરમિયાન, ફ્રાન્સે એટલાન્ટિક કિનારા પર લાગેલી આગને કાબુમાં લેવા માટે યુરોપિયન યુનિયન પાસેથી મદદ માંગી છે. કારણ કે, તીવ્ર ગરમીને કારણે સમગ્ર યુરોપમાં આગ ફેલાઈ ગઈ છે. જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ફ્રેન્ચ અધિકારીઓએ કેપ ફેરેટ દ્વીપકલ્પ એક લોકપ્રિય પર્યટન સ્થળને ગંભીર જંગલી આગના કારણે સંપૂર્ણપણે ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ વિસ્તારમાંથી આશરે 40 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જેમાં ઘણાને હોડી દ્વારા સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
