ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ચોકી ગામે સર્વે નંબર 149માં મેસર્સ કુબેર સ્ટોન ક્વોરી માટે આયોજીત લોક સુનાવણીમાં ગ્રામજનોએ ભારે હંગામો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચોકી ગામે મેસર્સ કુબેર સ્ટોન ક્વોરી અંગે આયોજીત લોક સુનાવણી શરૂ થતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. ચોકી તેમજ આસપાસના અસરગ્રસ્ત ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને લોક સુનાવણીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ લોકસુનાવણી PESA અધિનિયમ, 1996 અને બંધારણની પાંચમી અનુસૂચિની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને યોજવામાં આવી છે. ગ્રામસભાની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. આ તમામ મુદ્દાઓને આગળ ધરીને ગ્રામજનોએ લોક સુનાવણી તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી હતી.
બીજી તરફ, વિરોધનું વંટોળ વધતા જ અધિકારીઓ સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. સમગ્ર મામલે ઝઘડિયા પ્રાંત અધિકારીએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા જે પણ રજૂઆતો અને સૂચનો કરવામાં આવ્યા છે તે તમામ ગાંધીનગર ખાતે સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવશે.
ત્યારે આ મામલે હવે બે અલગ-અલગ દાવા સામે આવી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે તેમનો વિરોધ સફળ રહ્યો છે અને લોક સુનાવણી રદ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ વહીવટી તંત્રનું કહેવું છે કે સુનાવણી રદ નથી થઈ, પરંતુ લોકોની રજૂઆતો ગાંધીનગર મોકલાશે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આ વિરોધ બાદ કુબેર સ્ટોન ક્વોરીને મંજૂરી મળે છે કે પછી આ પ્રક્રિયા સ્થગિત થાય છે.
