ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તાર સ્થિત ડૉ. ગંગુબેન હડકર હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ સરળ બનાવવા માટે ડિજિટલ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તાર સ્થિત અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડૉ. ગંગુબેન હડકર હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા દિનેશ મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ સરળ, રસપ્રદ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ બોર્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને ડિજિટલ શિક્ષણના વધતા મહત્વ અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા સંચાલક મનહર વાઘેલા,  બીપીન ચદ્દરવાલા સહિતના આગેવાનો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, ડિજિટલ બોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિનો વધુ લાભ મળશે અને શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે.