ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતે કંપનીના કર્મચારીઓને લાવવા-લઇ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધાક-ધમકી આપી 2 ઇસમો બસ લઇને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભરૂચના વાગરા ખાતે રહેતા રવિભાઇ બાબુભાઇ પટેલ કે, જે દ્વારકાધીશ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. રવિકુમાર તેની લક્ઝરી બસમાં દહેજ GIDCની એક કંપનીના કર્મચારીઓને લાવવા લઇ જવાની કામગીરી કરે છે. ગત તા. 21 જુલાઇના રોજ રવિકુમાર સાંજના 7 વાગ્યાના અરસામાં દહેજ ખાતે એક જગ્યાએ પાર્ક કરેલ બસ લેવા ગયા, ત્યારે તેમની પાસે માથાભારે 2 ઇસમો આવી પહોચ્યા હતા, જ્યાં આ બન્ને પૈકી એક વ્યક્તિએ બસ ચાલુ કરી દેતા, ચાલક રવિ પટેલે કહ્યું કે, ‘અમારી બસ ક્યાં લઇ જાવ છો..?’. આ સાંભળીને એક ઇસમે અપશબ્દો બોલી રવિ પટેલ પર બસ ચઢાવી દેવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ બન્ને ઇસમો ત્યાંથી બસ લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે લક્ઝરી બસ ચાલક રવિ પટેલે બન્ને ઇસમો વિરુદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ બન્ને ઇસમો બસને દહેજ પોલીસ મથક નજીક મુકીને નાસી છૂટ્યા હતા, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
