અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી પોતાના શરીરમાં છુપાવેલી સોનાની પેસ્ટ રિકવર કરી 35.84 લાખ રૂપિયાની કિંમતનું 244.16 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
કસ્ટમ અધિકારીઓના જણાવ્યાનુસાર, 28મી જુલાઈના રોજ ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ તરફથી ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે, દુબઈથી ફ્લાય દુબઈની ફ્લાઇટ નંબર FZ 437 મારફતે અમદાવાદ પહોંચેલી શંકાસ્પદ મહિલા મુસાફરને AIUના અધિકારીઓએ લેન્ડિંગ થતાં જ અટકાવી હતી.
મહિલા મુસાફરની ઝીણવટભરી અને વિગતવાર તપાસ કરવામાં આવતા તેના શરીરમાંથી 270 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ ટીમે જપ્ત કરાયેલી પેસ્ટ પર પ્રક્રિયા કરીને તેને 24 કેરેટ શુદ્ધતા ધરાવતા TT બારમાં રૂપાંતરિત કરી હતી. આ પ્રક્રિયા બાદ શુદ્ધ સોનાનું વજન 244.16 ગ્રામ નોંધાયું હતું. જપ્ત કરાયેલા સોનાની વર્તમાન અંદાજિત બજાર કિંમત 35.84 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
