ભરૂચના આમોદ-આછોદ રોડ પર રખડતા ઢોરોના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોડની વચ્ચે કાળા રંગની એક ગાય બેઠેલી હતી જ્યારે બીજી ગાય રોડ પર ઊભી હતી. તે દરમિયાન સામે તરફથી આવતા વાહનની તેજ લાઈટના કારણે બાઈક ચાલકને રસ્તા પર રહેલી ગાયો સમયસર દેખાઈ નહોતી, જેના કારણે બાઈક ગાયો સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બે થી ત્રણ બાઈક સવાર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરોના પ્રશ્નને ગંભીર બનાવ્યો છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરી રસ્તાઓને રખડતા ઢોરોથી મુક્ત બનાવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
