દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે NDRF, SDRF તથા સ્થાનિક તંત્ર દ્વારા વ્યાપક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં રૂપિયા 1 કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

વલસાડ, નવસારી અને પાટણ જિલ્લામાં પૂરના પાણી વચ્ચે લોકોના જીવ બચાવવા NDRF અને SDRFની ટીમો સતત કાર્યરત છે. વલસાડ જિલ્લા પ્રશાસને સામાજિક સંસ્થાઓના સહયોગથી 23 હજારથી વધુ ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. આ ઉપરાંત, નુકસાનનો ચોક્કસ તાગ મેળવવા 150થી વધુ સર્વે ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.

વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોને થયેલા નુકસાનને પગલે સ્વયંસેવકો દ્વારા કપડા અને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાહત કામગીરીને વેગ આપવા GSDMAની 25 જેટલી બોટ વલસાડ અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા પૂરપીડિતોને ઝડપથી આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે અંતર્ગત કપરાડામાં ક્ષતિગ્રસ્ત મકાન માટે રૂપિયા 1.80 લાખ અને પૂર-વરસાદમાં જીવ ગુમાવનાર બે મૃતકોના વારસદારોને રૂપિયા 4-4 લાખની સહાય ચુકવાઈ છે. પાટણ સહિતના રાહત શિબિરોમાં આશ્રય અને ભોજનની યોગ્ય વ્યવસ્થા સાથે અસરગ્રસ્તોનું પુનર્વસન કરવામાં આવી રહ્યું છે.