આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણીના અવસરે પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે,વિશ્વની કુલ વસ્તીના 70 ટકા વાઘ માત્ર ભારતમાં જ વસે છે. 

દર વર્ષે 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વાઘોના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવાનો, તેમના કુદરતી રહેઠાણોની સુરક્ષા કરવાનો અને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત શિખર શિકારી એવા વાઘોની ઘટતી સંખ્યાને અટકાવવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.

સરકારે પુનઃ દૃઢપણે જણાવ્યું કે વિશ્વના જંગલોમાં વસતા કુલ વાઘોની સંખ્યામાં લગભગ 70 ટકા વાઘો ભારતના જંગલોમાં છે.આ સિદ્ધિ છેલ્લા પાંચ દાયકાથી અમલમાં રહેલી સુઆયોજિત નીતિઓ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ આધારિત મોનિટરિંગ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સહકારી સંઘવાદના પરિણામે શક્ય બની છે.

— વાઘ વિશે કેટલાક રસપ્રદ તથ્યો :

રોયલ બંગાલ વાઘએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. દરેક વાઘની પટ્ટાઓ (સ્ટ્રાઇપ્સ)ની રચના અનોખી હોય છે, જેના કારણે દરેક વાઘને અલગથી ઓળખી શકાય છે.-બિલકુલ માનવીની ફિંગરપ્રિન્ટ જેવી.આ વિશિષ્ટ પટ્ટાઓના આધારે વૈજ્ઞાનિકો કેમેરા ટ્રેપની મદદથી જંગલમાં દરેક વાઘની ઓળખ કરી તેની દેખરેખ અને ગણતરી કરે છે. વાઘ ખૂબ સારી રીતે તરી શકે છે. વાઘની ગર્જના લગભગ 3 કમ દૂર સુધી સંભળાય શકે છે.