ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવ ગામ નજીક બુધવારે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માત બાદ એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો અલવા અને માટીએડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
