વિશ્વ માટે ગાય માત્ર દૂધ આપતું પશુ હશે, પણ ભારતમાં તે રાજકારણ અને નેતાગીરી ચમકાવવાનું મોટું સાધન બની ગઈ છે. પણ આ જ ‘માતા’ જ્યારે રોડ પર ટ્રાફિક વચ્ચે કચરામાંથી પ્લાસ્ટિક ખાવા મજબૂર બને છે, ત્યારે આ ગૌપ્રેમીઓ ક્યાં ગાયબ થઈ જાય છે?
વિશ્વના મોટાભાગના દેશો માટે ગાય માત્ર દૂધ આપતું એક ઉપયોગી પશુ છે, પણ ભારતમાં ગાય રાજકારણીઓ માટે ‘વોટ’ મેળવવાનું અને સંગઠનો માટે સંવેદના વટાવવાનું સૌથી મોટું સાધન બની ગઈ છે. ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા માટે સાધુ-સંતો અને સંગઠનો દ્વારા સભાઓ યોજાઈ છે, સંસ્થાઓ ગાયોને લાડવા ખવડાવીને ફોટોગ્રાફી કરાવે છે. આ લાગણી અને પ્રેમ કાગળ પર કે કેમેરા સામે ઉત્તમ દેખાય છે, પરંતુ જ્યારે આ જ ‘માતા’ શહેરોના ટ્રાફિક વચ્ચે, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતી જોવા મળે, ત્યારે આ જ્ઞાની ગૌપ્રેમીઓ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે?
અસલી વિટંબણા પશુપાલકોની સ્વાર્થી માનસિકતા અને સંસ્થાઓના દંભમાં છે. સ્વાર્થ ખાતર દૂધ દોહી લીધા પછી પોતાના ઢોરને જાહેર રસ્તાઓ પર ખુલ્લા છોડી દેવાની પશુપાલકોની કુટેવ હવે સામાન્ય નાગરિકો માટે જીવલેણ બની ચૂકી છે. જાહેર માર્ગો પર થતા આખલા યુદ્ધ, ભયાનક અકસ્માતો અને તેમાં નિર્દોષ વાહનચાલકોના જતા મોત હવે રોજની વાર્તા બની ગયા છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં, રસ્તા પર રઝળતા ગૌવંશની સાચી ચિંતા કરવા કઈ સંસ્થા આગળ આવે છે? પશુપાલકોને પોતાના ઢોર ખુલ્લા ન છોડવા માટે જાગૃત કરવાનો કે તેમની સામે કડક પગલાં ભરવાનો પ્રયાસ કોઈ કરતું નથી, કારણ કે તેમાં કોઈનો રાજકીય કે આર્થિક સ્વાર્થ સરતો નથી!
આજે ભારત વિશ્વના વિકસિત દેશો સાથે પોતાની સરખામણી કરીને ‘ગ્લોબલ લીડર’ બનવાના દાવા કરે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એક શરમજનક વાસ્તવિકતા દર્શાવે છે. વિશ્વના કોઈ પણ વિકસિત દેશમાં જાહેર રસ્તાઓ કે માર્ગો પર રખડતાં ઢોર કે કૂતરાઓનો ત્રાસ જોવા મળતો નથી. ત્યાં કાયદો અને નાગરિક ફરજ બંને સ્પષ્ટ છે. જ્યારે આપણા દેશમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર ‘આખલા રાજ’ ચાલે છે.
જો ગાય ખરેખર પૂજનીય હોય, તો તેનું સ્થાન કચરાના ડબ્બા પાસે કે અકસ્માત સર્જતા રસ્તાઓ પર નહીં, પણ સુરક્ષિત ગૌશાળા કે પશુપાલકના આંગણે હોવું જોઈએ. માત્ર કાગળ પર ગૌપ્રેમ બતાવીને કે વોટબેંકની રાજનીતિ કરીને પશુઓ કે નાગરિકોનું ભલું નહીં થાય. જ્યાં સુધી બેજવાબદાર પશુપાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય અને રખડતા ઢોરનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, ત્યાં સુધી આ ‘ગૌપ્રેમ’ માત્ર એક સસ્તો દેખાડો જ બની રહેશે.
