અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે 4.39 વાગ્યે 2.6ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર 29 કિલોમીટર દૂર નોંધાયું હતું. પૃથ્વીના પેટાળમાં થયેલી આંતરિક હલચલને કારણે આ આંચકો આવ્યો હતો, જેનાથી ઊંઘી રહેલા નાગરિકોમાં થોડી ક્ષણો માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સવારે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં કેટલાક વિસ્તારોમાં પંખા અને ઘરવખરીના સામાનમાં ધ્રુજારી જોવા મળી હતી. આંચકો અનુભવાતા જ ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. આઈ.એસ.આર. (ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ) અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદ નજીક 29 કિમી અંતરે હોવાથી નજીકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્પષ્ટ આંચકો અનુભવાયો હતો. તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 2.6 જેટલી ઓછી હોવાથી કોઈ મોટું નુકસાન કે જાનમાલની હાનિ થઈ નથી. પરંતુ ભૂતકાળના ભૂકંપના કડવા અનુભવોને યાદ કરીને લોકો થોડી વાર માટે ભયભીત થઈ ગયા હતા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.