હવામાન વિભાગ દ્વારા તા. 31 જુલાઇ-2026’ના રોજ ભારે વરસાદની આગાહીના પગલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદની આગાહીના પગલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓને તા. 31 જુલાઇ-2026’ અને તા. 1 ઓગસ્ટ-2026’ એમ 2 દિવસ દર્શને ન આવવા અપીલ કરવામાં આવી છે. જોકે, આજ રાતથી જ શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી અને સંભવિત વરસાદની સ્થિતિ જોતાં પાવાગઢથી માચી સુધીનો રસ્તો અને પગથિયાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ પંચમહાલ જિલ્લામાં તંત્ર ‘સ્ટેન્ડ બાય’ મોડ પર તેમજ SDRFની 2 અને NDRFની 1 ટીમ ફોર્સ તૈનાત રાખવામાં આવી છે.વધુમાં નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર જણાયે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવશે, ત્યારે વહેતા પાણીમાં વાહન ન ચલાવવું અને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
