દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉન અને જોહાનિસબર્ગ શહેરમાં અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 27 લોકોના મોત થયા છે. આ સાથે આ હુમલાઓમાં 26 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ આફ્રિકાની પોલીસ આ માસ શૂટિંગને અંજામ આપનારા બંદૂકધારીઓની શોધખોળ કરી રહી છે. જોકે, અત્યાર સુધી આ મામલે કોઈ આરોપીની અટકાયત કે ધરપકડની માહિતી સામે આવી નથી અને આ બંને માસ શૂટિંગની ઘટનાઓ પાછળનો મુખ્ય હેતુ પણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, જોહાનિસબર્ગના ગૌતેંગમાં વેડેલા ટાઉનશિપમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ગોળીબાર થયો હતો. જ્યારે કેપ ટાઉનના લ્વાંડલે વિસ્તારમાં રવિવારે સવારે ગોળીબાર થયો હતો. જોહાનિસબર્ગમાં થયેલા ગોળીબારનો વીડિયો સામે આવ્યો છે. ગોળીબાર પહેલા લોકો બારમાં પાર્ટી કરી રહ્યા હતા. હુમલાખોરો AK-47 લઈને આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર કરી દીધો. પોલીસે આરોપીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ન્યૂઝ વેબસાઇટ ‘ધ સાઉથ આફ્રિકા’ મુજબ છેલ્લા એક વર્ષમાં એટલે કે 27 સપ્ટેમ્બર 2025 થી 26 સપ્ટેમ્બર 2026 સુધીમાં માસ શૂટિંગની 21 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 140 થી વધુ લોકોના મોત થયા છે.