તાપી નદીના જળસ્તરમાં સતત વધારો

સિંગણપોર કોઝવે 8.34 મીટરે ઓવરફ્લો

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર

ભયજનક સપાટીથી 2.34 મીટર ઉપર વહી રહ્યું છે પાણી

કાકરાપાર ડેમમાંથી 21,000 ક્યુસેક પાણીની આવક

સુરત જિલ્લામાં પડેલા આકાશી આફત જેવા મુશળધાર વરસાદને કારણે તાપી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે! ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદના પગલે તાપી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.

સુરતમાં કાકરાપારથી લઈને સિંગણપોર કોઝવે સુધી સમગ્ર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા તાપી નદીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નદીમાં 2 લાખ ક્યુસેક પાણીની જંગી આવક નોંધાઈ છે. આ સાથે કાકરાપાર ડેમમાંથી પણ 21,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સુરતના સિંગણપોર કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, પરંતુ હાલ કોઝવે 8.34 મીટરની સપાટીએ પહોંચીને ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે કે કોઝવે પોતાની ભયજનક સપાટી કરતા પણ 2.34 મીટર ઉપર વહી રહ્યો છે! હાલ કોઝવે પરથી 1.50 લાખ ક્યુસેક પાણી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યું છે.

તાપી નદી બે કાંઠે વહેતી થતાં જ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે કોઝવે પર વાહનવ્યવહાર અને અવરજવર પર ચુસ્ત પ્રતિબંધ મૂકી દેવાયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.