લગ્નના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ
ગેંગના મુખ્ય સુત્રધારની પોલીસે કરી ધરપકડ
મંદિરમાં લગ્ન કરાવી આચરવામાં આવતી ઠગાઈ
ઘરેણાં,રોકડ રકમ લઈને ફરાર થતી ગેંગ
3 મહિનામાં રૂ. 17.20 લાખની કરી ઠગાઈ
સુરતમાં કાપોદ્રા પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે લગ્ન કરવા ઈચ્છુક યુવકોને પ્રેમથી પોતાની જાળમાં ફસાવતી હતી,અને મંદિરમાં લગ્ન કરાવ્યાના થોડા જ દિવસોમાં ઘરનું સોનું-ચાંદી અને રોકડ રકમ સાફ કરીને ચાલતી પકડતી હતી.
સુરતની કાપોદ્રા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર હિતેશ કાપડીયાને ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી હિતેશ તેના સાગરીતો અને મહિલાઓની મદદથી લગ્ન ઉત્સુક યુવકોને નિશાન બનાવતો હતો. કન્યા પક્ષના નામે મંદિરમાં ધામધૂમથી લગ્ન કરાવતા અને લગ્ન થતાં જ દાગીના, રોકડ રકમ અને કિંમતી સામાન પડાવીને દુલ્હન અને તેની ગેંગ રફુચક્કર થઈ જતી હતી.
આ ગેંગે છેલ્લા ત્રણ જ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોમાં યુવકોને પોતાની ઠગાઈનો ભોગ બનાવ્યા છે. આરોપી હિતેશ કાપડીયાએ પોલીસ સમક્ષ કુલ રૂપિયા 17.20 લાખની ઠગાઈ કર્યાની કબૂલાત કરી છે. મહત્વનું છે કે, આ શાતિર ઠગ વિરૂદ્ધ અગાઉ કતારગામ, વરાછા, ભાવનગરના ગારીયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
હાલ તો કાપોદ્રા પોલીસે આ માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ ઘટના એવા તમામ પરિવાર માટે ચેતવણીરૂપ છે,જેઓ કોઈપણ ચકાસણી વગર ઉતાવળમાં લગ્ન નક્કી કરી લે છે.
