નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પરના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
આ દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સ્થળે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને સુરત જિલ્લાના ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ કાફલા વચ્ચે તકરાર થઈ હતી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘર્ષણ દરમિયાન કેટલાક પોલીસ અને વન કર્મીઓએ સાંસદ મનસુખ વસાવા સામે અત્યંત અશોભનીય વર્તન કરીને અભદ્ર ગાળો બોલી હોવાનો આક્ષેપ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના સાંસદ અને ઉમરપાડા પોલીસ તથા વનકર્મીઓ આમને-સામને આવી જતાં સ્થિતિ ભારે વણસી હતી.
જોકે, સાંસદને ગાળો બોલનાર વન કર્મીઓ અને પોલીસ કર્મીઓ કોણ હતા તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.
