ભરૂચના હાંસોટ પંથકમાં તારાજી

કિમ નદીના પાણી ફરી વળ્યા

ચાર ગામોમાં પુરના પાણીની અસર

મંત્રી ઇશ્વરસિંહ પટેલે કર્યું નિરીક્ષણ

પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ભરૂચના હાંસોટમાં કિમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે ત્યારે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં કિમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું છે. પૂરના પાણી ઓસરતા હવે સરકાર અને તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે હાંસોટના પાંજરોલી, ઓભા આસરમા અને બાલોતા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

તેમણે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી.મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કેટલાક ગેરકાયદેસર તળાવોના કારણે પૂરના પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નહોતો, જેના પરિણામે નુકસાન વધુ થયું છે.

મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો કે પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ આવા ગેરકાયદેસર દબાણો અને તળાવો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.હાલ તંત્ર નુકસાનના સર્વેની કામગીરીમાં લાગી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા સહાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.