ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક દુઃખદ ઘટના બની હતી. કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ નજીક ઊંઘતા ભાઈ-બહેન માટી નીચે દટાઈ ગયા હતા. બંનેને ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામના રહેવાસી રમેશ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સુતા હતા. દરમિયાન રાત્રે અંદાજે ત્રણ વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતાં દિવાલ પાસે ઊંઘતા ભાઈ-બહેન તેના નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રમેશભાઈ અને તેમની પત્નીએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઇજાઓ પહોંચી છે. હાલ બંને ભાઈ-બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો છે.
