સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક જૈન તીર્થસ્થળ તારંગા ધામમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીની હત્યા બાદ પૂજારી પતિએ પણ આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં હ્રદયદ્રાવક અને ચકચારભરી ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં આવેલ પૂજારીના નિવાસ સ્થાનમાંથી 37 વર્ષીય પૂજારી પ્રવીણ રાઠવા અને તેમની પત્ની વર્ષા પ્રવીણ રાઠવાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, પૂજારીની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પૂજારીએ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એન.એચ.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારનો કબજો મેળવી ઝીણવટભરી તપાસ શરૂ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના પ્રાથમિક તારણ મુજબ, પૂજારીએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે, ત્યારે હાલ તો પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, આ દુઃખદ ઘટનાના પગલે તારંગા ધામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.