પડાવ સર્કલ પાસે શિવ જ્વેલર્સમાં ચોરીથી ચકચાર

દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

તસ્કરો રૂ. 4.52 લાખનો હાથફેરો કરીને ફરાર

સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ

‘એ’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દાહોદ શહેરના અતિ વ્યસ્ત એવા પડાવ સર્કલ પાસે આવેલ ‘શિવ જ્વેલર્સ’ને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

દાહોદ શહેરના અતિ વ્યસ્ત એવા પડાવ સર્કલ પાસે આવેલ ‘શિવ જ્વેલર્સ’ને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ રાત્રીના સમયે શોરૂમનું સેન્ટ્રલ લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂપિયા 4.52 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા.

ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણ અજાણ્યા તસ્કરોમાંથી બે ઈસમો દુકાનની અંદર ઘૂસીને ચોરી કરી રહ્યા છે, જ્યારે ત્રીજો તસ્કર બહાર ઊભા રહીને ધ્યાન રાખી રહ્યો હતો. તસ્કરો શોરૂમમાંથી 4 ગ્રામ સોનું અને 1.9 કિલો ચાંદીના દાગીના સફાચટ કરી ગયા હતા.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રાત્રિના સમયે વેપારીએ પોતાના મોબાઈલ ફોનમાં શોરૂમના CCTV કેમેરાનું લાઈવ ફૂટેજ ચેક કર્યું હતું. દુકાનના દરવાજા ખુલ્લા જણાતાં જ વેપારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.

શહેરના મુખ્ય પડાવ સર્કલ પાસે જ બનેલી આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ દાહોદ ‘એ’ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોનો સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.