સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતા અને સેવા ઉદ્દેશનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતા અને સેવા ઉદ્દેશનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. નવસારી જિલ્લાના અંબાડા ગામના 56 વર્ષીય સ્વર્ગસ્થ ભલાભાઈ છગનભાઈ હળપતિ આ 100માં કેડેવર ડોનર બન્યા છે. પોતાના સ્વજનને ગુમાવવાની અત્યંત દુઃખદ ઘડીમાં પણ હળપતિ પરિવારે હિંમત દાખવીને અંગદાનની સંમતિ આપી સમાજ માટે એક પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે.
સ્વર્ગસ્થ ભલાભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલા આ મહાદાન થકી મળેલા 2 કિડની અને 1 લિવરના દાનથી ત્રણ ગંભીર દર્દીઓને નવજીવન મળવા જઈ રહ્યું છે. આ પ્રસંગે આયોજિત પ્રાર્થના સભામાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી અને તેમના આ સંવેદનશીલ નિર્ણયની સરાહના કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, તબીબી ટીમ અને તમામ સ્ટાફે પણ પરિવારના આ નિર્ણયને બિરદાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આ પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને અંગદાન પ્રત્યે જાગૃત બનવા અને વધુમાં વધુ સંખ્યામાં આ મહાઅભિયાનમાં જોડાઈને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
