ભાવનગર યુનિ.-રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આયોજન
ભાવનગર યુનિ. અટલ ઓડિટોરિયમ ખાતે યુવા સંવાદ યોજાયો
સંવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો વિદ્યાર્થીઓ સાથે સંવાદ
યુનિવર્સિટીના કુલપતિ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ભાવનગર યુનિવર્સિટી ખાતે ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે ભાવનગર યુનિવર્સીટીના અટલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
યુવાનો સાથે સંવાદ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ રમત-ગમત, દેશની વિરાસત, વિકસિત ભારત અને યુવા નેતૃત્વ સહિતના વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનાર યુનિવર્સિટીની હોકી અને હેન્ડબોલ ટીમના ખેલાડીઓને કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રીએ રમતગમતના મહત્વ અંગે માહિતી આપી હતી.
આ ઉપરાંત ‘વિકસિત ભારત યંગ ક્વિઝ કોન્ટેસ્ટ’નો 15 ઓગસ્ટથી પ્રારંભ થવાનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રીએ વધુમાં વધુ યુવાનોને તેમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત રામાનુજ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અશોક બારૈયા સહિતના પદાધિકારીઓ અને યુનિવર્સીટીના પ્રધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
