ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રાવરીવગા વિસ્તારમાં રહેતા કાંતાબેન ઠાકોરભાઈ પઢિયાર નામની વૃદ્ધ મહિલા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. મહિલાની શોધખોળ માટે પરિવારજનો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.દરમિયાન કહાનવા ગામથી માસરીવગા તરફ જતા માર્ગની બાજુમાં આવેલી એક તલાવડીમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ વેડચ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ફાયર વિભાગના જવાનો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની મદદથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ તલાવડીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.પોલીસે મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સમગ્ર મામલે વેડચ પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.