મૃતપ્રાય સુજની કળાને મળ્યું નવજીવન
પ્રોજેક્ટ રોશની હેઠળ ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન
સુજની કળાને મળ્યું વૈશ્વિક મંચ
નવી અધિકૃત વેબસાઇટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ લોન્ચ
સુજની વણાટ કળા આપણી સાંસ્કૃતિક વિરાસત: જિલ્લા કલેક્ટર
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિનના પ્રસંગે ભરૂચની ઐતિહાસિક કળા “સુજની”ને નવો વેગ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્ટ્રિક્ટ સુજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની પ્રાચીન અને મૃતપ્રાય થવાના આરે આવેલી અનૂઠી ‘સુજની’ વણાટકામ કળાને નવજીવન આપવા માટે જિલ્લા વહીવટી તંત્રનો ‘પ્રોજેક્ટ રોશની’ હવે વટવૃક્ષ બની રહ્યો છે.
રાષ્ટ્રીય હાથશાળ દિવસના ખાસ પ્રસંગે ભરૂચના સ્ટેશન રોડ પર નવા શોરૂમ ‘ન્યૂ રેવા સેન્ટર’નું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડો.નવનાથ ગવહાણેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કળાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટ અને સુજનીના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી.
નવી પેઢીના યુવાનોને રોજગારી પુરી પાડવાના હેતુથી તાલીમ મેળવનાર પ્રથમ બેચના સભ્યોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે કલેકટરે સુજની કળાની પ્રશંસા કરતા આ નવતર પ્રયોગને કારીગરોના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
