બેઇજિંગ: ચીનના પૂર્વીય વિસ્તારોમાં ટાઈફૂન ડોલ્ફિન નબળું પડ્યું હોવા છતાં ભારે વરસાદ અને પૂરનો ખતરો યથાવત છે. વાવાઝોડાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 1,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
ટાઈફૂન ડોલ્ફિને રવિવારે ઝેજિયાંગ પ્રાંતના દરિયાકાંઠે બે વખત લેન્ડફોલ કર્યું હતું. ત્યારબાદ તેની તીવ્રતા ઘટી હતી. જોકે, હવામાન વિભાગે પૂર્વ અને મધ્ય ચીનમાં આગામી એક દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. ઝેજિયાંગના કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ માટે સૌથી ગંભીર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
શાંઘાઈના બે મુખ્ય એરપોર્ટ પરથી 943 ફ્લાઈટ્સ રદ કરાઈ છે અને અનેક ટ્રેન તથા જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ઝેજિયાંગના વેનઝોઉમાં 9 લાખથી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે અને 1,500થી વધુ ઈમરજન્સી શેલ્ટર ખોલવામાં આવ્યા છે.દરમિયાન, બેઇજિંગના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. પ્રશાસને ભૂસ્ખલન અને પૂરનું જોખમ પણ વ્યક્ત કર્યું છે.
