ભરૂચના વાલિયાનો બનાવ
ભાજપના આગેવાનો વચ્ચે માથાકૂટ
કારને સાઈડ આપવા બાબતે બાબાલ
બન્નેએ પોલીસને અરજી આપી
મારામારીના આક્ષેપ
ભરૂચના વાલિયા પંથકમાં ભાજપના 2 આગેવાનો વચ્ચે કારને સાઈડ આપવા જેવી નાની બાબતે માથાકૂટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ મામલે વાલિયા પોલીસ મથકમાં સામસામી અરજી આપવામાં આવી છે.
ભરૂચના વાલિયા પંથકમાં ભાજપના બે આગેવાનો વચ્ચે થયેલી માથાકૂટનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા વચ્ચે કારને સાઈડ આપવા બાબતે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાના આક્ષેપો થયા છે.
ચોર આમલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને આગેવાનો પરત ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં કારને સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી તથા મારામારી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઘટના બાદ બંને પક્ષ દ્વારા એકબીજા સામે મારામારીના આક્ષેપો સાથે વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. જેના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.દરમિયાન, બંને આગેવાનો વચ્ચે થયેલા આ વિવાદ પાછળ ચૂંટણી સમયની જૂની અદાવત કારણભૂત હોવાની પણ સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.
