ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વહીવટી તંત્ર દ્વારા આયોજન
ભવ્ય તિરંગા યાત્રા નીકળી
મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
દેશભક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા 80માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. યાત્રામાં 100 ફૂટથી પણ મોટો વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્દી નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તિરંગા યાત્રામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય તિરંગા યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
