ગુરુકુલનો ઇતિહાસ હિમાલયથી ઊંચો, ચીનની દિવાલ કરતાંય મજબૂત અને ઇજિપ્તના પિરામિડથી પણ વધારે પુરાતન છે. વિશ્વના ગોડફાધર જેટલો જ ગૌરવાન્વિત આ ગુરુકુલનો ઈતિહાસ ફેસબુકના ફાધર જેટલો પણ ફેમસ ફેવરીટ નથી થયો એ આશ્ચર્યને ઓગાળવા માટે રોજબરોજની રૂટીન લાઈફના વર્તમાનમાં વેકેશન પાડીને આવો… થોડા સમય માટે ભૂતકાળના ભેરુ બની જઈએ… ઘરની બાલ્કનીમાંથી કૂદકો લગાવીને ચાલો… ગુરુકુલ ઇતિહાસની અટારીમાં આંટો મારી લઈએ. ગુરુકુલની શરુઆત તો સૃષ્ટિના પ્રારંભ સાથે જ જોડાયેલી છે. સૃષ્ટિ પ્રારંભ કાળે ભગવાન શ્રીનારાયણે બ્રહ્મવિદ્યા રુપી વેદોનું બ્રહ્માજીને શ્રવણ કરાવ્યું.

બૃહદારણ્યક ઉપનિષમાં આ વેદોને પરમાત્માનો નિઃશ્વાસ બતાવવામાં આવ્યા છે…

अस्य महतो भूतस्य निःश्वसितमेतत् ।

यदृग्वेदः यजुर्वेदः सामवेदोऽथर्वांगीरसः ॥

(બૃહદારણ્યક ઉપનિષદ્… ૨/૪/૧૦)

શ્વેતાશ્વતર ઉપનિષદ્ કહે છે કે,

यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ।

(શ્વેતાશ્વતરોપનિષદ્… ૬/૨)

“સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્માએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને વેદો તેમને પ્રદાન કર્યાં.’’

અને એ બ્રહ્મવિદ્યા બ્રહ્માજી સાથે બ્રહ્મલોકનિવાસ કરવા લાગી. બ્રહ્મલોક-નિવાસિની આ ભગવતી બ્રહ્મવિદ્યાએ એક વાર પિતામહ બ્રહ્માજીને કહ્યું, “ભગવન્ !.. મારા ચિત્તમાં પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ થયો છે.”

“બહુ શુભ સંકલ્પ છે. તમારા પૃથ્વી પર અવતરિત થવાથી પૃથ્વીલોકના મનુષ્યનું બહુ મોટું કલ્યાણ થશે. તમારા આ શુભ સંકલ્પમાં મારા આશીર્વાદ છે.”

બ્રહ્માજીએ અનુમતિ આપી. ત્યારે બ્રહ્મવિદ્યાએ પૂછ્યું, “હે પિતામહ !…હવે મને એ માર્ગદર્શન આપો કે હું પૃથ્વીલોક પર કયા સ્વરૂપે અવતાર ધારણ કરું ?”

બ્રહ્માજીએ ઉત્તર આપ્યો કે, “હે દેવી બ્રહ્મવિદ્યા ! તમે પૃથ્વી પર જે કોઈ સ્વરૂપે જાઓ તે સ્વરૂપે ત્યાં તમે ચિરકાલ સુધી અનંત જીવોનું શ્રેય કરો તેવી મારી ઇચ્છા છે. માટે, તમે પૂછેલા આ પ્રશ્નનો જવાબ વિદ્યાદેવી સરસ્વતીજી પાસે માંગો. વર્તમાનકાળમાં પૃથ્વી પર અવતરિત થવા માટે કયું સ્વરૂપ ઉપયુક્ત થશે તે તેઓ સારી રીતે જાણે છે.’’

દેવી બ્રહ્મવિદ્યાએ પ્રશ્નસૂચક દૃષ્ટિથી સરસ્વતીજી તરફ જોયું. સરસ્વતીજીએ એક આંગળી વીણાના તાર પર મૂકી. વીણામાંથી નાદ પ્રગટ્યો. નાદમાંથી શબ્દો પ્રગટ્યા, “હું આપને મારું ‘વાક્ સ્વરૂપ’ આપું છું. તેના પર પ્રતિષ્ઠિત થઈને, આપ પૃથ્વીલોકના ભારતવર્ષમાં શબ્દદેહે અવતરો અને પિતામહની આજ્ઞા પ્રમાણે ત્યાં અનંતકાલ સુધી નિવાસ કરો.”

“ભગિની સરસ્વતી !.. મારા વ્યક્તિત્વને સ્વરૂપદેહ આપ્યા પછી હવે કૃપા કરીને મને પૃથ્વી પર અવતરિત થવાની પ્રક્રિયા પણ બતાવો.” બ્રહ્મવિદ્યાએ કહ્યું.

ત્યારે સરસ્વતીજી બોલ્યા, “પ્રથમ આપ ભારતવર્ષના ઋષિઓના ચિત્તમાં પ્રવેશો. પછી એમના ચિત્તમાં સ્પંદનનું સ્વરૂપ ધારણ કરો, એટલે તેમને આપોઆપ બ્રહ્મવિદ્યા રૂપી વેદજ્ઞાન થશે. આ વેદજ્ઞાન દ્વારા ઋષિઓને પરમતત્ત્વનું રહસ્યજ્ઞાન થશે. આ ‘પરમતત્ત્વનું રહસ્યજ્ઞાન’ તે જ આપનું પૃથ્વી પર પ્રથમ સ્વરૂપ ગણાશે. ઋષિઓ કરુણાળુ છે, તેમના ચિત્તમાં માનવમાત્રના કલ્યાણની સદિચ્છા હોવાથી ચિત્તમાં પ્રગટેલા આ જ્ઞાનને પામીને તેઓ શાંત બેસી નહિ રહે. પાસે આવેલા કોઈપણને તેઓ વેદનું – બ્રહ્મવિદ્યાનું – પરમતત્વનું જ્ઞાન આપશે… અને વેદોક્ત બ્રહ્મવિદ્યાનું સમગ્ર પૃથ્વી પર પ્રવર્તન થશે.” ત્યારબાદ પિતામહ બ્રહ્માની આજ્ઞાનુસાર દેવી સરસ્વતીજીના માર્ગદર્શન સહ પૃથ્વીલોક પર ભવ્ય ભારતના ઋષિઓને બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર થયો.

વેદમંત્રના દ્રષ્ટા, શાસ્ત્રોના સર્જિયિતા, આંતર-બાહ્ય પવિત્ર જીવન જીવનારા, માનવમનમાં માંગલ્યના મોતી વરસાવનારા, પારાવાર પ્રેરણાની પ્રેમલજ્યોતિ પ્રગટાવનારા, ચિદાનંદરુપના આનંદ-ઓઘમાં ઈનર લાઈફ જીવનારા, ઈન્દ્રિયોથી પર થઈ ધ્યાન-અવસ્થાનો સાક્ષાત્કાર કરનારા, સાત્ત્વિક, સંયમી અને સદાચારમય જીવનને કારણે આર્ષદ્રષ્ટિને પામનારા, સૃષ્ટિના ચૈતન્યયુક્ત પ્રાણીમાત્રનું વિચાર-વાણી-વર્તનથી કલ્યાણ કરનારા, જગતને નિરખવાની વિશિષ્ટ દ્રષ્ટિને કારણે વિશ્વવિભૂતિના વિશિષ્ટ દર્શન કરનારા, સંસારમાં જળકમળવત્ રહી આત્મજ્ઞાનના ઓટા પર બેસીને તપ સાધના વડે ઈશ્વર આરાધન કરનારા… ઋષિઓ જાણતા, સમજતા અને સ્વીકારતા હતા કે પરમાત્માનું પવિત્ર જ્ઞાન પામવાનો અધિકાર પ્રત્યેક જીવમાત્રનો છે. ઋતને જાણવા સમર્થ આ ઋષિઓએ જ્ઞાન અને શીલ રૂપી બે કાંઠાઓ મધ્યે અનેકને અનહદ આનંદ આપતી બ્રહ્મવિદ્યા રૂપી વાણીગંગા વહાવી. ઋષિઓએ સાક્ષાત્કાર થયેલી આ બ્રહ્મવિદ્યા – વેદવિદ્યા સમગ્ર માનવસમાજના કલ્યાણ માટે અન્યને ભણાવવાનું શરુ કર્યું. વળી, પ્રાચીન ભારતની મૂળ પ્રજા – આર્યોમાં પોતાના મૌલિક વિચારોનું વિશ્લેષણ કરવા માટે, માનસ ભાવને કાર્યરત કરવા માટે અદમ્ય ઉત્સાહ અને આવેગ હતો… તેથી, મનુષ્યના જીવનને – તેના આયુષ્યને તેમણે ચાર તબક્કામાં વહેંચી નાખ્યું અને એક પરફેક્ટ લાઈફસ્ટાઈલ દ્વારા માનવમાત્રને સંપૂર્ણ જીવનની ચાવી બતાવી… એ દરેક તબક્કાને – ભાગને ‘આશ્રમ’ નામ આપ્યું. આ ચાર આશ્રમ મનુષ્યના જીવનના અગત્યનાં અંગરૂપ બન્યા. દરેક ભાગ પચ્ચીસ વર્ષનો ગણાતો અને પૂર્ણ આયુષ્ય સો વર્ષનું ગણાતું.

જીવન સાફલ્યતામાં ચાવી સમાન આશ્રમ વ્યવસ્થાનો પહેલો તબક્કો છે વિકાસનો – કિશોરાવસ્થાથી યુવાવસ્થાનો – અભ્યાસનો, જ્ઞાનપ્રાપ્તિનો, અનુશાસન અને સ્વનિયંત્રણનો – તે બ્રહ્મચર્યાશ્રમ… એ સમય દરમિયાન ઉપવીત ધારણ કરી વિદ્યાર્થી બનીને ગુરુ સમીપે આશ્રમજીવન ગાળવાનું. ગુરુની સેવા કરવાની અને જ્ઞાનોપાસના કરવાની.

બીજો તબક્કો ગૃહસંસારનો છે… વિવાહ, સંતાનપ્રાપ્તિથી માંડીને કૌટુંબિક દુન્યવી વ્યવહાર સુધીનો આ તબક્કો ગૃહસ્થાશ્રમ તરીકે ઓળખાય છે. અભ્યાસ પૂરો થતાં લગ્ન કરીને માનવી ‘ગૃહસ્થાશ્રમ’ માં પ્રવેશ કરતો. જીવનનાં બીજાં પચ્ચીસ વર્ષ તે આ આશ્રમમાં ગાળતો. અતિથિનો સત્કાર કરતો. માબાપની સેવા કરતો. પોતાનાં બાળકો અને કુટુંબના નિર્વાહ અર્થે તેમજ ઢોરઢાંખરની કાળજી માટે આજીવિકા રળતો.

ત્રીજો તબક્કો… સંસાર અને સમાજમાં ભૌતિક સુખ-સમૃદ્ધિ મેળવી લીધા બાદ નિઃસ્વાર્થપણે સામાજિક સેવા કરવાનો પ્લેટફોર્મ – વાનપ્રસ્થાશ્રમનો છે… જેમાં પોતાના ઘરનો સઘળો ભાર દીકરાઓને સોંપી દઈ માનવી ઈશ્વરચિંતન કરતો તેમજ સમાજસેવામાં પોતાનું જીવન વ્યતીત કરતો. બને તેટલું એકાંત જીવન જીવતો. ઘરનાં દીકરા- દીકરીઓ કે નાતેરાં સગાંસંબંધીઓને મુશ્કેલીઓમાં રસ્તો બતાવતો. જીવનના અનુભવોથી સ્થિર થયેલી બુદ્ધિવાળા વાનપ્રસ્થીઓ આર્ય સમાજ-વ્યવસ્થાના અતિ મહત્વના અંગ જેવા હતા. એક કે બીજી રીતે તેઓ સમાજના માર્ગદર્શક તરીકેનું કામ બજાવતા.

અને છેલ્લો, ચોથો તબક્કો… કૌટુંબિક, સામાજિક અને દુન્યવી તમામ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને એકાંતવાસ સેવવો અને ધ્યાન-ધર્મ કરવાં તે સંન્યસ્તાશ્રમ… જેમાં મનુષ્ય સઘળી માયા મૂકીને પોતાના નામઠામ બદલી નાંખીને કુટુંબ સાથેના સંબંધોનો અંત આણતો. ભગવાં વસ્ત્રો પહેરીને તે સાધુજીવન ગાળતો. આખી દુનિયા તેનું ઘર છે અને દુનિયાના બધા જીવો તેના કુટુંબીજનો છે તેવી ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવના સેવતો.

આશ્રમ વ્યવસ્થાના આ દરેક તબક્કા પર નજર નાખતા સહજ માલુમ થાય કે તત્કાલીન માનવીને પોતાના સંપૂર્ણ જીવનના પાયા સમાન બ્રહ્મચર્યાશ્રમમાં જ વિદ્યાપ્રાપ્તિ અર્થે જ્ઞાની ઋષિમુનિઓની અનિવાર્ય જરૂરિયાત વર્તાણી… આ ઉપરાંત, સમજશક્તિ વિકસ્યા પછી મનુષ્યે સૌપ્રથમ પ્રકૃતિની કલ્પનાતીત સુંદરતા જોયા, તેનું કરાલ-કોમલ રૂપ અનુભવ્યું. તેનાથી તે આનંદ પામ્યો, તેને ભયની લાગણી પણ થઈ, પ્રકૃતિને ન સમજી શકવાથી વિસ્મય સાથે મૂંઝવણ પણ થઈ. તેના મનમાં ગડમથલ ચાલી કે આ બધું શું છે, કોણે કર્યું, શા માટે કર્યું ? અજ્ઞાતના ભય, વિસ્મય અને અહોભાવથી પ્રભાવિત થયેલા મનુષ્યે સહજ રીતે સૃષ્ટિના સર્જનહારની ખોજ આરંભી… અને આ ખોજ તેને પરમ તત્ત્વની મોજ માણતાં જ્ઞાની બ્રહ્મવિદ્યાવાન ઋષિમુનિઓ પાસે લઈ ગઈ… આ ઋષિમુનિઓ પાસેથી સૃષ્ટિના સર્જનહારનું જ્ઞાન – બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તેને તીવ્રેચ્છા થઈ આવી… તેથી, તેને બ્રહ્મવિદ્યાજ્ઞ ઋષિમુનિઓ પ્રત્યે સહજ આદર અને શ્રદ્ધા ઉત્પન્ન થયા… જેના પરિણામે માનવ અને મહામુનિ મધ્યે મૈત્રી પ્રગટી…