ક્રિકેટના ચાહકો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે! ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધુ એક રોમાંચક T20 સિરીઝ રમાવા જઈ રહી છે અને તેનું શેડ્યૂલ પણ ફાઈનલ થઈ ગયું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા સત્તાવાર રીતે આ 3 મેચની સિરીઝની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ તમામ મેચો દિલ્હીમાં રમાવાની છે. અગાઉ જૂન મહિનામાં બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમાઈ ચૂકી છે, અને હવે ફેન્સ આ T20 સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જાણીતી સ્પોર્ટ્સ વેબસાઈટ ‘ક્રિકબઝ’ના એક રિપોર્ટ અનુસાર, અફઘાન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ T20 સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યોજાશે. 10 ઓગસ્ટ (સોમવાર) ના રોજ અફઘાનિસ્તાન બોર્ડે પોતાના સ્ટેકહોલ્ડર્સ (હિતધારકો) ને એક પત્ર લખીને જાણ કરી હતી કે, આ સિરીઝની 3 મેચો અનુક્રમે 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત એ છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ આ તારીખો અને સ્થળ માટે પોતાની સંમતિ આપી દીધી છે.

ACB ના CEO એ શું કહ્યું?

આ રિપોર્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO નસીબ ખાનના પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે બોર્ડના કોમર્શિયલ પાર્ટનર્સને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “અફઘાનિસ્તાન બોર્ડ કન્ફર્મ કરે છે કે ભારતનો પ્રવાસ (2026) આગામી 13 થી 17 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ સિરીઝની તારીખો અને મેચના સ્થળ (વેન્યુ) ને BCCI સાથે મળીને મંજૂર કરી અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.”

આ સત્તાવાર જાહેરાત અંગે બોર્ડે પોતાના પત્રમાં વધુમાં સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, “જોકે બંને દેશોના સંબંધિત સત્તાવાર અધિકારીઓ દ્વારા હજુ સુધી આ ટૂરને લઈને પબ્લિકમાં કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ (જાહેર જાહેરાત) કરવામાં નથી આવી, પરંતુ બોર્ડ આ પત્ર દ્વારા અફઘાનિસ્તાનના 2026 ના ભારત પ્રવાસની તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરે છે. આથી, તમામ મીડિયા રાઈટ્સ ધરાવતી કંપનીઓ આ શેડ્યૂલના આધારે અત્યારથી જ પોતાનું પ્લાનિંગ, પ્રોડક્શન વ્યવસ્થા, પ્રમોશનલ એક્ટિવિટીઝ, સંસાધનોની ફાળવણી અને અન્ય સંબંધિત તૈયારીઓ શરૂ કરી શકે છે.”