ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલો છે બ્રિજ
નર્મદા મૈયાબ્રિજ કરોડરજ્જુ સમાન
બ્રિજની બન્ને તરફ સેફટી નેટ લગાવાઈ
સેફટી નેટ પર કલાત્મક પેઇન્ટિંગ માટે રજુઆત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજુઆત
ભરૂચ અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલ સેફટી ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક વારસાની ઝાંખી દર્શવતા પેઇન્ટિંગ તૈયાર કરવા ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરી 12 ઓગસ્ટ, 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મહત્વની બાબત એ છે કે આ એક વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ બન્યો નથી.
આત્મહત્યા રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલનો હેતુ સંપૂર્ણપણે સફળ રહ્યો હોવાનું જણાયું છે.દરમિયાન સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને તેમની ભોલાવ સ્થિત ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું છે કે નર્મદા મૈયા બ્રિજ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે.
બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક વારસા, ભૃગુઋષિ, નર્મદા નદીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ ‘સ્વચ્છ ભરૂચ’ અને ‘મારું ભરૂચ, મારો ગર્વ’ જેવા વિષયો આધારિત આકર્ષક આર્ટવર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પ્રકારની કલાત્મક કામગીરીથી સેફ્ટી ગ્રીલ માત્ર સુરક્ષાનું સાધન નહીં રહે, પરંતુ ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવની ઓળખ બનશે.સાથે જ બ્રિજનું સૌંદર્ય વધશે અને નાગરિકોમાં પોતાના શહેર પ્રત્યે ગૌરવ તથા જાગૃતિની ભાવના પણ મજબૂત થશે.આ કલાત્મક કામગીરી માટે કંપનીઓના CSR ફંડનો ઉપયોગ કરી આ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.
