ભરૂચના ઝઘડિયાના લાફાકાંડનો મામલો

આપ આગેવાનને મળી રાહત

રજની વસાવાના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા

જેલમાંથી બહાર આવતા સ્વાગત કરાયુ

હજુ 2 આગેવાનો જેલમાં

ભરૂચ ઝઘડિયાના લાફાકાંડમાં આપ આગેવાન રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન મળતા તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા દરમ્યાન પરિવારજનો અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતુ

ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવા જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા હતા.

રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને AAPના સમર્થકોએ તેમનું હાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા સહિતના આગેવાનોએ કંપની ખાતે પહોંચીને હોબાળો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ દ્વારા ટ્રેસપાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં AAPના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ત્રણેય આગેવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની કાર્યવાહી પણ થઈ હતી.રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ કેસમાં ભરૂચ જિલ્લા AAP પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા AAP પ્રમુખ હજુ પણ જેલમાં છે.