રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતા, ગુજરાત વહીવટી સેવા(જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, આ તમામ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી તેમને નવી જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે. આ વ્યાપક ફેરબદલીમાં રાજ્યભરના ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.












સત્તાવાર યાદી મુજબ કુલ 144 અધિકારીઓને નવી પોસ્ટિંગ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, સમાન અધિસૂચનામાં અગાઉના કેટલાક બદલીના હુકમો રદ કરવા અને બઢતીના હુકમોમાં આંશિક ફેરફાર કરવા અંગેના આદેશો પણ સામેલ છે. દાખલા તરીકે, વિભાગની અગાઉની અધિસૂચનામાં સમાવિષ્ટ અમીતકુમાર જી. ગામીતની બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે અને તેઓ મદદનીશ નિયામક તરીકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની જગ્યાએ યથાવત રહેશે.આ તમામ આદેશો ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
