અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી રૂ. ૧૦ લાખ રોકડ ભરેલી બેગની લૂંટના ચકચારી ગુનામાં પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત ૭ ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ આર.કે. આંગણીયા પેઢીમાંથી રૂ. ૧૦ લાખની રોકડ લઈ પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી તેમની સાથે માથાકૂટ કરી હતી.
આ દરમિયાન ઇસમોએ નજર ચૂકવી કારની ડ્રાઇવર સીટ પાસે મૂકેલી રૂ. ૧૦ લાખ રોકડ ભરેલી બેગ ચોરી લીધી હતી અને ત્રણેય ઇસમો બાઇક પર ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા..દરમિયાન પોલીસે વધુ એક અમદાવાદ કુબેરનગર ના આરોપી ગૌરવ ઉર્ફે ગોલુ ગુમાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
