ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ કંપની સામે આસપાસના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, છેલ્લા આશરે 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના પરિણામે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ, આસપાસના ગામોના યુવાનો દ્વારા કંપનીમાં સ્થાનિક રોજગારી અને એપ્રેન્ટિસશિપને લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો પરિવાર સાથે કંપની સામે અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન કરવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.