ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં પાવર ગ્રીડના વળતર મુદ્દે ખેડૂતો આક્રમક બન્યા છે. જેમાં સરકારના પરિપત્ર સામે મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોનો વળતર અને જમીન સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરી રાજ્ય સરકારના તા. 4 જુલાઈ-2026ના પરિપત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યુ હતું કે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીનમાંથી હાઈ વોલ્ટેજ વીજ લાઈન પસાર થવાની સ્થિતિમાં જમીનના ઉપયોગ, પાક અને ખેડૂતોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો હજુ સ્પષ્ટ નથી. ખાસ કરીને 765 KVની વીજ લાઈન અંગે સુરક્ષા વ્યવસ્થા, વીમા કવચ અને ભવિષ્યમાં જમીનના ઉપયોગ પર પડનારી અસર અંગે સ્પષ્ટ જોગવાઈ કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. પાવર ગ્રીડ પ્રોજેક્ટના હેતુ અને તેની પાછળના વ્યાપારી લાભ અંગે પણ ખેડૂતો દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, ત્યારે યોગ્ય વળતર, જમીન અને પાકને થનારા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન તેમજ સુરક્ષા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે.
