ભરૂચના દેસાઈ ફળિયામાં આવેલ  સિદ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી માન્યતા જોવા મળે છે.માનતા પૂર્ણ થતા ભક્તો દ્વારા દેવાધિદેવ મહાદેવને દુધી અર્પણ કરવામાં આવે છે.

​ભરૂચ શહેરના દેસાઈ ફળિયામાં આવેલ ભાર્ગવની વાડી સામેનું પૌરાણિક અને પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રી ભાર્ગવ ગૃહસ્થ પંચ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ દિવ્ય ધામ અંગે એવી પ્રબળ લોકવાયકા અને શ્રદ્ધા પ્રવર્તે છે કે, અહીં સાચા હૃદયથી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરનાર દરેક ભક્તની તમામ માનતાઓ અચૂક પૂર્ણ થાય છે.​આ પ્રાચીન મંદિરની એક વિશેષ અને અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. મંદિરના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા તેમજ શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર, જ્યારે પણ કોઈ ભક્તની મનોકામના કે માનતા પૂર્ણ થાય છે, ત્યારે ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવ સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશેષરૂપે દૂધી ચઢાવવાની પરંપરા છે. આ અનોખી માનતાને કારણે ભક્તો દૂર-દૂરથી અહીં શીશ ઝુકાવવા માટે આવે છે.​તાજેતરમાં જ આ પરંપરાનું એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. હથિખાના બજાર વિસ્તારના સુથાર ટેકરા નિવાસી અનિતાબેન ભગતે પોતાના પરિવારમાં સ્વસ્થ બાળકની પ્રાપ્તિ માટે શ્રી સિદ્ધનાથ મહાદેવ સમક્ષ માનતા રાખી હતી. તેમની આ મનોકામના પૂર્ણ થતાં તેમણે વિધિવત રીતે મહાદેવજીની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક દૂધી અર્પણ કરીને પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.​પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરા અને શ્રદ્ધા આજે પણ ભરૂચના નગરજનોમાં શ્રદ્ધાનો વિશેષ સેતુ બની રહી છે, જ્યાં નિત્યદિન મોટી સંખ્યામાં ભક્તો મહાદેવજીના દર્શને પધારી ધન્ય બને છે.